સુરતમાં નવજાત શિશુ મૃત્યુ કેસ: CCTV ફૂટેજથી માતાની ઓળખ, સમાજમાં બદનામીના ડરથી ગુનો

સુરતના કતારગામ વિસ્તારમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. 25 મે 2026ના રોજ રાતે લગભગ એક વાગ્યે અવધૂતનગર સોસાયટીની નજીક જાહેર રોડ પર પ્લાસ્ટિકની ફાટેલી થેલીમાં એક નવજાત બાળકનો મૃતદેહ મળ્યો હતો. આ ક્ષેત્રમાં કૂતરાઓ આ થેલીને કચરાના ઢગલામાંથી ખેંચીને લાવ્યા હતા.
ચોકબજાર પોલીસ સ્ટેશને તાત્ક્ષણિક તપાસ શરૂ કરી. શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શનમાં અલગ-અલગ તપાસ ટીમો રચવામાં આવી હતી. પોલીસે આસપાસની હોસ્પિટલો અને CCTV ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું.
તકનીકી વિશ્લેષણ દરમિયાન ખુલાસો થયો કે એક અજાણી મહિલા શાંતિનગર સોસાયટીમાંથી હાથમાં પ્લાસ્ટિકની થેલી લઈ અવધૂતનગર તરફ જતી દેખાઈ હતી. આ ફૂટેજ પર આધાર રાખીને સર્વેલન્સ ટીમે મહિલાની ઓળખ કરી તેને ધરપકડ કરી.
પૂછપરછમાં આરોપી મહિલાએ ખુલાસો કર્યો કે તેની પાસે પહેલાથી બે પુખ્ત સંતાનો છે. આ ઉંમરે પતિ તરફથી ફરીથી ગર્ભ રહી જતાં અને કુટુંબમાં મોટી સંતાનો હોવાને કારણે સમાજમાં ભારે અપમાન અને બદનામીનો ભય તેણે અનુભવ્યો હતો. આ ચિંતાથી ત્રસ્ત થઈ, જ્યારે ઘરે કોઈ હાજર ન હતું ત્યારે તેણે અધૂરા માસે બાળકને જન્મ આપ્યું અને તેને પ્લાસ્ટિકની થેલીમાં બંધ કરીને કચરાના ઢગલામાં ફેંકી દીધું.
આ કેસમાં ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 94 અને 91 હેઠળ FIR નંબર 1121000122260701/2026 નોંધવામાં આવી છે અને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સફળ તપાસમાં ચોકબજાર પોલીસ સ્ટેશનના PI S.D.રાતડા, II PI A.A.રાઠવા, PSI V.T.ડોડીયા, PSI A.A.હિતેન્દ્ર નિનામા તેમજ ASI હિરેનભાઈ, મયુરભાઈ, ઇન્દ્રજીતસિંહ અને સર્વેલન્સ ટીમના હેડ કોન્સ્ટેબલ તથા કોન્સ્ટેબલ મિત્રોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
Compare options


